હિંદનો આત્મા જોખમમાં છે

ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. આ સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. કવિઓએ તેના વિષે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. અન્ય રાષ્ટ્રો પશુબળનાં પૂજારી છે જ્યારે હિંદ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી. હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ ત્યારે તેનું મારા હ્રદયમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે.
હિંદ પાસે દુનિયાને આપવા એક મિશન છે, સંદેશો છે. તેણે યુરોપની આંધળી નકલ કરવાની ન હોય. પશ્ચિમમાં એવું ઘણું છે જે લેવાથી આપણને લાભ થાય, એટલું કબૂલ કરવા જેટલી નમ્રતા મારામાં છે. બુદ્ધિમત્તા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઇજારો નથી. પશ્ચિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરેખર તો તેના આંધળા અનુકરણ સામે જ છે. હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી-પશ્ચિમ જ એથી કંટાળ્યું છે-પણ સાદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે.
હિંદુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છે, પણ આપણે એની નકલ કરવા જઈશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. કહેવાનો અર્થ એ નથી કે એમાં જે સારું અને ગ્રાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું. પણ શારીરિક ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ ખરાબ વસ્તુ છે અને જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યાં છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને તેમની જીવનદ્રષ્ટિને નવું રૂપ આપવું જ પડશે. હિંદના માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. ‘સાદી રહેણી અને ઊંચા વિચાર’ એ એક પશ્ચિમના ફિલસૂફનું સૂત્ર આપણે આપણા હ્રદય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોક્કસ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે અને આપણે ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઈ બેસવાનું જોખમ ખેડી રહ્યાં છીએ.
મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે છે જેમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય; જેમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહેતી હશે અને અસ્પૃશ્યતાના પાપને સ્થાન નહીં હોય. મારા ભારતવર્ષમાં કેફી પીણાં અને પદાર્થોને સ્થાન નહીં હોય. સ્ત્રીઓ પુરુષો જેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહીશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ.
ગાંધીગંગાઃ હું હિંદુસ્તાનનો ભક્ત છું કારણ કે મારું જે કંઈ છે તે તેને આભારી છે
Advertisements