કવિતા તે શું?

કવિતા તે શું? કવિતામાં શું છે કે જે આપણું મન હરણ કરે છે? જે વાક્યમાંથી લખનાર, વાંચનાર, બોલનાર અને સાંભળનારને રસ ઉત્પન્ન થાય છે તે વાક્યને કવિતા કહેવી. વિશ્વનાથ કવિરાજકૃત સાહિત્યદર્પણ નામનો ગ્રંથ, જે સને 1850-53માં બંગાલામાં છપાયેલો છે, તેમાં કવિતાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે.

 

‘वाक्यरसात्मकं काव्यम्’

 

વાક્યરુપી શરીરમાં જે રસરુપી જીવ છે તે કવિતા. કવિતા ગુપ્ત રીતે અસર કરીને આપણાં મનની સાથે વાતો કરે છે, જે આપણી પરોપકાર બુદ્ધિ અને દયાને જાગતી કરે છે, જે પ્રીતિના જોસ્સાને બહાર કહાડે છે, જે આપણી લાગણીઓને કેળવીને લાયક કરે છે, જે પડતી દશામાં દલાસો, ચડતીમાં ક્ષમા અને જિંદગાનીમાં નાના પ્રકારના નિર્મળ સુખ આપે છે. સંસ્કૃતિ વિદ્વાનો કહે છે કે, તે કવિતા સારી જાણવી જે નવા તર્કને ઉત્પન્ન કરે છે, ને એ રીતે મનને નવા નવા તુરંગોથી પ્રફુલ્લિત કરે છે.

 

ઇતિહાસ કરતાં કવિતા ઘણી ગંભીર અને તત્વવેત્તા છે. ઇતિહાસમાં તુટક તુટક બીનાઓ સીવાય બીજો કોઈ સંબંધ નથી. ઇતિહાસ થોડાને લગતી વાતની જાણ કરે છે, પણ કવિતા માણસમાત્રને લગતી વાતની જાણ કરે છે. ઇતિહાસ અપૂર્ણ છે, થોડા વખતને જ અને કેટલીએક બાબતો વિષે બોલે છે; પણ કવિતા પૂર્ણ અને સઘળા કાળને સારું છે; અને જે જે કારણ અને કાર્ય માણસ જાતના સ્વભાવમાં ને સ્વભાવથી નિપજવાનાં છે, તે સર્વનો અંકુર કવિતામાં લખાયેલો હોય છે. હાઝીલીટ નામનો વિદ્વાન કહે છે કે, કોઈ પણ પદાર્થની અને બનાવની તેનાં તેજીપણાએ કરીને આપણા મનમાં જે સ્વાભાવિક છાપ પડે છે અને જેથી તર્ક અને જોસ્સો ઝપ જાગી ઉઠી કામે વળગે છે અને પછી સાત્વિક ભાવે સામાનાં સુખ-દુઃખ આપણને લાગે છે, અને એથી પછી અવાજ, અથવા શબ્દનું જે નીમસર નીકળવું થાય છે, તે છાપનું નામ કવિતા.

 

કવિતાના લાભ અમૂલ્ય છે. એ કંઈ નઠારી વસ્તુ નથી. એ તો ઇશ્વરપ્રણિત છે. એક દોહરો છે-

 

‘કવિતા ભણવા થકી, મન રંજન બહુ થાય;

નીતિવાન મનમાં ઠસે, દુર્ગણ નાસી જાય.’

 

કવિતા સઘળી વસ્તુ પ્રીતિમય વસ્તુ થઈ રહે છે. જે ખોડવાળું છે તેને તે શોભીતું કરે છે, ને જે સુંદર છે તેને વધારે સુંદર કરે છે. જે ગુણો એકબીજાના શત્રુ છે તેને મિલનસારી કરાવે છે. એક વિદ્વાન કહે છે કે કવિતા એ એવો હુન્નર છે કે, જે પોતાની મધુરી પ્રેરણાથી અણઘડ, નિર્દય અને પથ્થર જેવી છાતીનાં માણસમાં પણ ધર્મ નીતિનું રસજ્ઞાન કરાવે છે. મીલટન પણ કહે છે કે, આહાહા! ઈશ્વરી અને મનુષ્યકૃત વસ્તુઓમાં આપણે કવિતાનો કેવો ધર્મી, યશસ્વી અને ઉત્સાહી ઉપયોગ કરી શકીએ છૈયે. સિકંદર બાદશાહ વિશે એમ કહેવાય છે કે તે હોમર નામના ઉત્તમ કવિની ચોપડી રુપાની પેટીમાં લઈ લઈને સઘળે ફરતો હતો અને રાત્રે પોતાના ઓસીકા તળે મુકતો હતો.

 

જગતનો ફેરફાર સઘળો કવિતા પર આધાર રાખે છે. જે વખતે બ્રહ્મભજન કવિતામાં રાગરુપે થાય છે, તે વખતે રુવે રુવે આનંદ આનંદ વ્યાપી જાય છે. ત્રિવિક્રમાનંદ કરીને બ્રહ્મમાર્ગી બાવો થઈ ગયો છે, તેનાં બનાવેલા પદે અને તે પદના ગાનારા સુરતના વીજીઆનંદ નામના ત્રિવિક્રમાનંદના ચેલાએ સુરતના ઘણા ખરા લોકને બ્રહ્મની લેહ લગાડી હતી. વલ્લભમાર્ગની બઢતી થઈ તેનું કારણ એ કે તેમાં સરસ કવિતા છે. સાહિત્યશાસ્ત્રનો ભંડાર એ પંથમાં છે. કવિતાથી દીલાસો મળે છે ને કવિતાથી નઠારા મારગ છોડાય છે તથા સતસંગ થાય છે. કવિતા જેવો મિત્ર કોણ છે? એનાથી જેવો ઘા રુઝાય છે તેવો કોઈ ઓસડીથી રુઝાતો નથી. કહો તો હસાવે, કહો તો રોવાડે, કહો તો ગુસ્સો આણે, કહો તો બ્હીવડાવે. કવિતા વિષે જેટલું બોલીયે તેટલું ઓછું છે. કવિતાનું સુખ અલૌલિક છે. સંસારની ઉષ્ણતામાં કવિતાચંદ્ર મનને શાંત કરે છે. કવિતા જગતનો પ્રાણ છે. કવિતા ન હોત તો સદગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મિત્રાઈ એની શી દશા થાત? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત? આ દુનિયાનાં દુઃખ અને મોતનાં ભયની વખત આપણએ દિલાસો કાંથી મળત?

 

દાંડિયોઃ किंकवेस्तस्य काव्येन किंकांडेन धनुष्मतः |

            परस्यह्रदये लग्नं न निहंति च यच्छिरः ||

 

અર્થઃ જે કવિતાથી પારકાનું હૈયું ભેદાયું નહીં, સામાને અસર ન થઈ અને જે તીરે સામાનું ડોકું ન ઉરાડ્યું, તો તેવી કવિતા કવિએ કીધી તો તે શા કામની તથા તેથી શું? અને તેવું તીર ધનુષ ધરનારે માર્યું તો તે શા કામનું તથા તેથી શું? તેવી કવિતા ન કરવી અને તેવું તીર ન મારવું એ વધારે સારું છે.

 

 

Advertisements